ITI નાગેશ્વર ખાતે માનવ અધિકાર અને કાયદાકીય જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન

ITI નાગેશ્વર ખાતે માનવ અધિકાર અને કાયદાકીય જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસક્રમના ભાગરૂપે સમાજમાં કાયદાકીય જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે તારીખ ૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ITI નાગેશ્વર, જામનગર રોડ ખાતે કાયદાકીય જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભવનના અધ્યક્ષ ડૉ. ભગીરથસિંહ એન. માંજરિયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના  ‘EQUALITY’ ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ કાયદાકીય અને સામાજિક રીતે મહત્વપૂર્ણ વિષયો અંગે નાગરિકો તથા વિદ્યાર્થીઓને સરળ ભાષામાં માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન સ્નેહાબેન નિમ્બાર્ક દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. પ્રતિભાબેન દ્વારા કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણીના નિવારણ માટેનો POSH Act, ભૂમિબેન ઓડેદરા દ્વારા Factory Act, જયદેવભાઈ રાઠોડ દ્વારા Cyber Crime, ભાસ્કરભાઈ પરમાર દ્વારા Intellectual Property Rights (IPR), હર્ષાબેન વાઢેર દ્વારા Workplace Safety & Labour Laws તથા મહેક મહિડા દ્વારા બાળ મજૂરી વિરોધી કાયદા અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનો અને સામાન્ય નાગરિકોને તેમના કાયદાકીય અધિકારો, કાર્યસ્થળની સુરક્ષા, મહિલાઓના અધિકારો, સાયબર ગુનાઓથી બચાવ, બૌદ્ધિક સંપદા અધિકારો તથા બાળ મજૂરી વિરોધી કાયદા જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે જાગૃત કરવાનો હતો.

આ પ્રસંગે ભવન તરફથી ચિંતનકુમાર શકોરિયા રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ કાયદાકીય વિષયોને નિહાળી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું તેમજ તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. વિદ્યાર્થીઓને કાયદાકીય જ્ઞાનને સમાજ સુધી પહોંચાડવાની જવાબદારી અંગે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રકારની જનજાગૃતિ પ્રવૃત્તિઓ દ્વારા ભવનના વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રાપ્ત થયેલા કાયદાકીય જ્ઞાનને વ્યવહારિક સ્વરૂપે રજૂ કરવાની તક મળે છે. સાથે સાથે વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી, કાયદાકીય જાગૃતિ, સંવાદકૌશલ્ય અને માનવ અધિકારો પ્રત્યેની સંવેદનશીલતા વિકસે છે.

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા શિક્ષણને સમાજ સાથે જોડવાના પ્રયાસરૂપે આયોજિત આ કાર્યક્રમ કાયદાકીય જાગૃતિના પ્રસાર અને સામાજિક સશક્તિકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું બની રહ્યો હતો.


Published by: Department of Human Rights and International Humanitarian Laws

06-10-2026